જિલ્‍લા પંચાયતનાં પ્રમુખને બદલે જિલ્‍લા ભાજપનાં પ્રમુખ દર્શાવતા ભારે ચર્ચા જાગી

Amreli Breaking News India

રાજયકક્ષાનાં મંત્રી વાનાણીએ એક પત્રમાં અનેક ભૂલો કરી
જિલ્‍લા પંચાયતનાં પ્રમુખ જેનીબહેન ઠુંમરને જેનીભાઈ દર્શાવી દીધા
જિલ્‍લા પંચાયતનાં પ્રમુખને બદલે જિલ્‍લા ભાજપનાં પ્રમુખ દર્શાવતા ભારે ચર્ચા જાગી
અમરેલી, તા.ર4
એક તરફ ભાજપનાં નેતાઓ વાયબ્રન્‍ટ અને ગતિશીલ ગુજરાતનાં ગાણા ગાઈને વિકાસ અંગે છાતી ફૂલાવીને ચાલી રહયા છે. તેવા જ સમયે ગુજરાત સરકારનાં એક મંત્રીએ આઠથી દશ લાઈનનાં પત્રમાં અનેક ભૂલો કરતાં સરકાર કેવી ગંભીરતાથી કાર્ય કરે છે તેનો ખ્‍યાલ આવી રહયો છે.
વિગત એવા પ્રકારની છે કે જિલ્‍લા પંચાયતનાં કોંગી મહિલા પ્રમુખ જેનીબેન ઠુંમરે રાજયનાં પાણી પુરવઠા મંત્રી નાનુભાઈ વાનાણીને પત્ર પાઠવીને પાણીયા ગામે આવેલ તળાવને ઉંડુ કરવાની માંગ કરી હતી. જેનો જવાબ મંત્રી દ્વારા પાઠવવામાં આવ્‍યો હતો.
જેમાં પત્રનાં અંતે પ્રતિ કરીને લખેલ શબ્‍દો ક્રમશઃ આ મુજબ દર્શાવ્‍યા છે. શ્રી જેનીભાઈ વિરજીભાઈ ઠુંમર, પ્રમુખશ્રી ભાજપા, અમરેલી જિલ્‍લા, સિલ્‍વર પેલેસ, ગોલ્‍ડન પ્‍લાઝા સામે, સ્‍ટેશન રોડ, અમરેલી.
આમ, મહિલાને બહેનને બદલે ભાઈ દર્શાવાયા, જિલ્‍લા પંચાયતનાં પ્રમુખને બદલે જિલ્‍લા ભાજપનાં પ્રમુખ દર્શાવ્‍યા અને છેલ્‍લે સરનામામાં પણ ભૂલ કરવામાં આવી.
આ પત્રને લઈને કોંગી આગેવાનોમાં રાજયમંત્રીનીગંભીરતા કેવી છે તેની વ્‍યાપક ચર્ચા થઈ રહી છે.

Source: Amreli Express